કાયદો માણસને ડરાવી શકે, પણ કાયદો માણસને બદલી શકતો નથી, એક જમાનો હતો જયારે એક એકને ટપી જાય તેવા બુટલેગરો ગુજરાતમાં હતા જે પૈકી અમદાવાદમાં હિમંતસિંહ સીસોદીયોનો ધંધો પુરબહારમાં ચાલતો હતો, હિમંતસિંહના સંબંધો પોલીસ અધિકારીથી લઈ સ્થાનિક રાજકારણીઓ સાથે હતા, જેના કારણે તેનો ઈગ્લીશ દારૂનો ધંધો કુદકેઃભુસકે વધી રહ્યો હતો તેની દારૂ ભરેલી ટ્રકો રોજ અમદાવાદમાં ઠલવાઈ રહી, પોલીસને કામ બતાડવા હિમંતસિંહ સામે કેસ પણ કરવા પડે, જો કે તે પોલીસ અને હિમંતસિંહ વચ્ચે ગોઠવાયેલુ હતું. આ દરમિયાન અમદાવાદના ડેપ્યુટી પોલીસ કમિશનર તરીકે વિકાસ સહાય આવ્યા, તેમણે પોતાના તાબાના પોલીસ સ્ટેશનનો રેકોર્ડ જોયો અને તેઓ ચૌંકી ગયા કારણ હિમંતસિંહ સીસોદીયા સામે સંખ્યાબંધ કેસ હોવા છતાં તેની એક પણ કેસમાં ધરપકડ થઈ ન્હોતી.

ડીસીપી વિકાસ સહાયને સ્થાનિક પોલીસ અને હિમંતસિંહની ગોઠવણ સમજાઈ ગયો એક દિવસ અચાનક તેઓ પોલીસ સ્ટેશન પહોંચી ગયા,તેમણે ત્યાં હાજર અધિકારી અને સ્ટાફને કહ્યુ ચાલો આપણે હિમંતસિંહને પકડવાનો છે, સ્થાનિક પોલીસ હિમંતસિંહના ઘરના સરનામાથી વાકેફ હતી, વિકાસ સહાય સહિતનો કાફલો અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં પહોંચ્યો , હિમંતસિંહ આ બહુમંઝીલા એપાર્ટમેન્ટમાં રહેતો હતો, પોલીસનો કાફલો ઝડપભેર એપાર્ટમેન્ટમાં દાખલ થયો વિકાસ સહાયની સાથે રહેલા પોલીસ અધિકારી એક ફલેટ પાસે અટકાયા અને તેમણે બંધ દરવાજા તરફ ઈશારો કરતા કહ્યુ સાહેબ આ હિમંતસિંહનો ફલેટ છે. વાકય સાંભળતા વિકાસ સહાયના કપાળની રેખાઓ તંગ થઈ, તેમણે થોડોક વિચાર કર્યો અને સાથે રહેલા અધિકારીને કહ્યુ પાછા ફરીએ આજે તેને પકડવો નથી પછી પકડીશુ.

વિકાસ સહાયની છાપ પ્રમાણિક અને કડક અમલદારની રહી છે, જેના કારણે સાથે રહેલા પોલીસ અધિકારીઓને વિકાસ સહાયનો વ્યવહાર સમજાયો નહીં, પણ કેમ પાછા ફરવાનું છે તેવુ પુછવાની હિમંત પણ પોલીસ અધિકારીઓમાં ન્હોતી, વિકાસ સહાય ત્યાંથી પાછા ફરી શાહીબાગ પોલીસ કમિશનરની કચેરીમાં આવેલી પોલીસ ચેમ્બરમાં બેઠા, પોતાના દરવાજા સુધી ડીસીપી આવી ગયા છે જેની જાણકારી હિમંતસિંહને મળી ગઈ હતી, થોડીવારમાં વિકાસ સહાયના લેન્ડ લાઈન ફોનની રીંગ વાગી, તેમણે ફોન ઉપાડતા સામેથી વાત કરનારે પોતાનો પરિચય આપતા કહ્યું, સાહેબ હિમંતસિંહ બોલું છું, હિમંત જમાનો ખાધેલ હતો, તેને કયાં પોલીસ અધિકારી સાથે કેવી રીતે વાત અને વ્યવહાર કરવો તેની સમજ હતી, તે માની રહ્યો હતો તે વિકાસ સહાયને પણ સંભાળી લેશે.

કદાચ કોઈ બુટલેગરે પહેલી વખત વિકાસ સહાયને ફોન કરવાની હિમંત કરી હતી. સહાયના સ્વભાવ પ્રમાણે તો આ સ્થિતિમાં તેમનું માથુ અને અવાજ ગુસ્સામાં ફાટી જવો જોઈએ પણ સહાયના શબ્દમાં શાંતતા હતી, હિમંતસિંહે વાત આગળ વધરાતા સવાલ કર્યો, સાહેબ તમે મારા દરવાજા સુધી આવી ગયા હતા પણ મને પકડયો કેમ નહીં, હિમંતસિંહે આ પ્રકારે બુટલેગર ઉપર ધાક બેસાડી પછીથી ગોઠવી લેતા આઈપીએસ અધિકારીઓને જોયા હતા તે સહાય માટે પણ આવું જ કંઈક વિચારી રહ્યો હતો. વિકાસ સહાયે હિમંતસિંહને જવાબ આપતા કહ્યુ તને પકડીશ તો ખરો પણ મારે તને આજે પકડવો ન્હોતો તેનું કારણ એવું હતું હું તારા દરવાજા સુધી પહોંચ્યો ત્યાં સુધી મને ખબર ન્હોતી કે તું મારો પડોશી છે.

અનેક પોલીસ અને કોર્ટ કેસનો સામનો કરનાર હિમંતસિંહને કાયદાનો તો ડર રહ્યો જ ન્હોતો, પણ હિમંતસિહને ડીસીપી વિકાસ સહાયની વાત અને તેમના શબ્દો હ્રદયમાં કાંટાની જેમ વાગ્યા, હિમંતસિંહે દારૂનો ધંધો કાયમ માટે છોડી દેવાનો નિર્ણય, પોતાની સામેના પડતર કેસો પુરા કર્યા અને ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનોને લેખિતમાં જાણ કરી કે હવે તેણે દારૂનો ધંધો બંધ કર્યો છે,જો કોઈ તેના નામનો ઉલ્લેખ કરે તો મને જાણ કરવી આ વાતને બે દાયકા થઈ ગયા, હિમંતસિંહે કયારે પાછી ફરી દારૂના ધંધા તરફ જોયુ નથી તે અમદાવાદના અસારવામાં જ રહે છે અને સ્કેપનો ધંધો કરે છે, હવે હિમંતસિંહ અને તેમના દરવાજે પોલીસ આવશે તેવો ડર નથી અને તેઓ સન્માનપુર્વક જીંદગી જીવી રહ્યા છે જયારે કાયદો પાંગળો થાય ત્યારે એક પોલીસ અધિકારી કોઈની જીંદગીમાં આવુ પરિવર્તન લાવી શકે તેનું આ ઉદાહરણ છે.

By arpit

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *