સુરતના પાસોદરામાં ગ્રીષ્માની જાહેરમાં હત્યા કરનારા આરોપી ફેનિલને કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. આ કેસમાં સુરતની સેશન્સ કોર્ટે હત્યાના બનાવને રેરેસ્ટ ઓફ ધી રેર ગણાવી હત્યારા ફેનિલને સજા સંભળાવી હતી. મનુસ્મૃતિના શ્લોકની સાથે જજ વિમલ કે. વ્યાસે આ રેરેસ્ટ ઓફ ધી રેર કેસ ગણીને આરોપીને ફાંસીની સજા ફટકારી હતી.

ફાંસી યથાવત્ રાખવા માગ
ગ્રીષ્મા હત્યાનો કેસ કોર્ટમાં ઝડપથી ચાલી ગયો હતો. પોલીસ અને ન્યાયતંત્ર દ્વારા હત્યારા ફેનિલને ફાંસીના માંચડા સુધી પહોંચાડવા માટે કોઈ કસર રાખવામાં આવી નહોતી. ત્યારે હત્યારા ફેનિલ ગોયાણીને થયેલી ફાંસીની સજાના કન્ફર્મેશન માટે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. રાજ્ય સરકારે ફાંસીની સજા યથાવત્ રાખવાની માગ સાથે હાઇકોર્ટમાં અરજી કરી છે.

ઘટના શું હતી?
સુરતમાં કામરેજના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ હત્યા કરી હતી. ત્યાર બાદ હાથની નસ કાપીને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્મા વેકરિયાની હત્યા કરનારા આરોપી ફેનિલ ગોયાણીને હોસ્પિટલમાંથી રજા મળતાં પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડાયો હતો. હાલ ફેનિલ લાજપોર જેલમાં બંધ છે.

ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં 82 દિવસમાં જ ચુકાદો આવી ગયો હતો. ગ્રીષ્માના હત્યામાં ફાંસીની સજા થયેલા ફેનિલ ગોયાણીને લાજપોર જેલમાં સી-5 યાર્ડમાં રાખવામાં આવ્યો છે. આ યાર્ડમાં અન્ય 5 કેદી છે, જેમને પણ ફાંસીની સજા મળી છે. આ તમામ કેદીઓની દેખરેખ માટે રાઉન્ડ ઓફ ક્લોક 2 વોર્ડન અને 1 વોચમેનને મુકાયા છે. ગ્રીષ્માની હત્યા કરનારો ફેનિલ ગોયાણી લાજપોર જેલ બેરેક અને યાર્ડની સાફસફાઈ કરશે. શરૂઆતના 3 મહિના ફ્રીમાં સેવા અને બાદમાં પગાર અપાશે.

Leave a Reply

Your email address will not be published.