સુરત શહેરમાં આપઘાતનો વધુ એક બનાવ બન્યો છે. આ વખતે ધોરણ-10ના વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે. આપઘાત પહેલા વિદ્યાર્થીએ એક સુસાઇટ નોટ પણ લખી છે. એવી પણ વિગત સામે આવી છે કે વિદ્યાર્થીના કાકાએ તેને ઠપકો આપ્યો હતો. વિદ્યાર્થીએ સુસાઇડ નોટમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. સૂત્રોનું કહેવું છે કે વિદ્યાર્થીએ તેના કાકીને ફોન કર્યો હતો. આ વાતને લઈને કાકાએ અમુક શંકા-કુશંકા કરી હતી. જે બાદમાં કાકાએ વિદ્યાર્થીને ઠપકો આપ્યો હતો. આ વાતનું લાગી આવતા વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો હતો.
વ્હાલસોયાના આપઘાત બાદ પરિવારમાં ભારે આઘાત
મળતી માહિતી અનુસાર, સુરતના નાના વરાછા ખાતે પશુપતિનાથ સોસાયટીમાં માતા-પિતા સાથે રહેતા 16 વર્ષના મૌનિકે આપઘાત કર્યો છે. મૌનિકે તાજેતરમાં જ ધોરણ-10ની પરીક્ષા આપી હતી કે જેનું હજુ તો પરિણામ આવવાનું પણ બાકી છે. મૌનિકના પિતા દિલીપભાઈ મંદિર બનાવવાનું કામ કરે છે. દિલીપભાઈને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. જેમાંથી મૌનિકે ઘરના રસોડામાં પંખા સાથે દોરી બાંધીને આત્મહત્યા કરી લીધી છે. જો કે, પરિવારને પોતાના વ્હાલસોયાના આપઘાત બાદ ભારે આઘાત લાગ્યો છે.
સ્યુસાઇડ નોટમાં કાકાનું નામ હોવાથી પોલીસ કરશે પૂછપરછ
આ બનાવની જાણ થતા જ કાપોદ્રા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પોલીસને તપાસ દરમિયાન ઘરમાંથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી. જેમાં મૌનિકે કાકીને ફોન કરવા બાબતે કાકાએ ઠપકો આપ્યાની વાત લખી છે. સાથે એમ પણ લખ્યું છે કે કાકાને જે શંકા છે તે ખોટી છે.
કાકાના ઠપકા બાદ સગીરે આપઘાત કરી લીધાનું સામે આવ્યું
પોલીસનું કહેવું છે કે, પ્રાથમિક તપાસમાં કાકાના ઠપકા બાદ સગીરે આપઘાત કરી લીધાનું સામે આવ્યું છે. હાલમાં પોલીસે આ મામલે સ્યુસાઇડ નોટમાં કાકાનું નામ હોવાથી પોલીસે તેના કાકાની પૂછપરછ કરવાની તૈયારી હાથ ધરી છે. પરંતુ હાલમાં આ મામલે પરિવારે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો છે. પોલીસનું કહેવું છે કે, સંપૂર્ણ તપાસ બાદ જ આ કેસમાં વધુ વિગતો સામે આવી શકશે.