રાજકોટમાં આજે કાલાવડ રોડ પર બે અકસ્માત થયા છે. પહેલી ઘટના રાજકોટ શહેરના કોસ્મોપ્લેક્સ નજીક ઘટી હોવાનું સામે આવ્યું હતું. આ અકસ્માતના સીસીટીવી વિડિઓ પણ સામે આવ્યો છે. જેમાં ઘાયલ યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે. અકસ્માતના જે સીસીટીવી વિડિઓ સામે આવ્યો છે તે જોઈને જ ભલભલા હચમચી જાય.

કોસ્મોપ્લેક્સ નજીક ફોર્ચ્યુનર કાર ચાલકે ટુ વ્હીલર ચાલકને અડફેટે લીધાની ઘટના સામે આવી હતી. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા હાલ સીસીટીવીનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. સારવાર અર્થે યુવકને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જોકે ત્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

ફૂટબોલની જેમ ફંગોળાયો
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલી કોસ્મોપ્લેક્સ નજીક અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો. પોતાના ત્યાં પિતરાઈ બહેનના લગ્નનો પ્રસંગ હોવાથી મનીષ તેરૈયા નામનો 27 વર્ષીય યુવાન કંકોત્રીની વહેંચણી કરવા જતો હતો. આ સમયે કાલાવડ રોડ પર પુર ઝડપે દોડી આવી રહેલી ફોર્ચ્યુનર કાર ચાલકે તેને અડફેટે લેતા તે ફૂટબોલની જેમ ફંગોળાયો હતો.

સારવાર દરમિયાન મોત નીપજ્યું
અકસ્માત બાદ મનીષને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતાં સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે પણ ખસેડી હતી.

ત્રણ બહેનોનો એકનો એક ભાઇ હતો
પોલીસ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર મૃતક મનીષ તેરૈયા ત્રણ બહેનોનો એકનો એક ભાઇ હતો. મૃતકના પિતા ગુજરાત પોલીસમાં પીઆઇ તરીકે ફરજ બજાવ્યા બાદ નિવૃત્ત થયેલા છે. ત્યારે પરિવારમાં પિતરાઇ બહેનના લગ્નનો પ્રસંગ હોય જેમાં શરણાઈ વાગે તે પૂર્વે જ ત્રણ બહેનોના એકના એક ભાઈની લાશ ઘરે આવી પહોંચતા તેરૈયા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

બીજા બનાવમાં પૂરપાટ જતી સ્પોર્પિયો અચાનક ડિવાઇડ પર ઊંધા માથે પટકાઇ
રાજકોટના કાલાવડ રોડ પર પૂરપાટ ઝડપે જતી કાર અચાનક ડિવાઇડર પર ચડી ઉંધી વળી ગઈ હતી. ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઇડર પર ઉંધા માથે પટકાઇ હતી. જોકે, આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ ન થતા મોટી દુર્ઘટના સહેજમાં અટકી હતી. કારના ચાલકનો આબાદ બચાવ થયો હતો. જોકે કારમાં મોટું નુકસાન પહોંચ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.