શહેરના કારેલીબાગ વિસ્તારમાં લીકવીડ કેમિકલની આડમાં વાપીથી ટ્રાન્સપોર્ટમાં આવેલો વિદેશી દારૂનો જથ્થો સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડી તપાસ હાથ ધરી હતી. વાપીથી વિદેશી દારુનો જથ્થો કોણે મોકલાવ્યો હતો અને વડોદરામાં કેાના માટે મોક્લાવ્યો હતો તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે. કારેલીબાગમાં રોડવેઝની ઓફિસમાં આવેલી એક ટ્રકમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલે 60 પેટી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

ટ્રક વાપીથી દારૂ ભરીને આવી હતી. તમને જણાવી દઇએ કે, કારેલીબાગ જલારામ મંદિર પાસે આવેલા ભાવના રોડવેઝમાં કેમિકલ લિક્વિડના બોકસમાં વિદેશી દારૂ હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડા પાડ્યાં. PIસહિતની ટીમે સાંજના સમયે ભાવના રોડવેઝમાં આવેલી એક ટ્રકને કોર્ડન કરી ટ્રકમાં આવેલા બોકસને ખોલી તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી.

ભાવના રોડવેઝમાં કેમિકલ લિક્વિડના નામે અગાઉ પણ આ પ્રકારે બોકસ આવ્યા છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ હાથ ધરી રહી છે. જો કે, શક્ય છે કે કારેલીબાગ વિસ્તારમાંથી લાખનો દારૂ પકડાતાં સ્થાનિક અધિકારી પર પણ આ મામલે તવાઈ આવી શકે. કારણ કે ગૃહ વિભાગનો પરિપત્ર છે કે જે અધિકારીના તાબામાં આવતાં વિસ્તારમાં વિદેશી દારૂ પકડાશે તે અધિકારી સામે પગલાં ભરવા.

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના એક અધિકારીએ જણાવ્યું હતું કે, બાતમી અમને 20 બોકસ આવશે તેવી મળી હતી પરંતુ તપાસ કરતાં 60 બોકસ મળતાં અમને પણ નવાઇ લાગી હતી. જો કે, હાલમાં આ મામલે તમામ પાસે અમે ચકાસણી કરી રહ્યાં છીએ.

શહેરના કારેલીબાગ વિસ્તારમાં ટ્રાન્સપોર્ટમાં જ્યારે એક ટ્રકમાં લિક્વિડ કેમિકલના નામે દારુ આવ્યો ત્યારે એક રિક્ષા આવી હતી. પરંતુ દરોડાની ગંધ આવી જતાં રીક્ષા તુરંત પરત ફરી ગઇ હતી. જો કે તે રિક્ષા સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. આથી પોલીસે સીસીટીવીના આધારે રીક્ષા અને રીક્ષાચાલકની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.