આજકાલ વધતા જતા ક્રાઇમના લીધે નાના બાળકોનું ખુબ જ ધ્યાન રાખવું પડતું હોય છે. વડોદરાના ફતેગંજ વિસ્તારમાંથી 3 બાળકો થયા ગુમ થયા હોવાનું સામે આવ્યું છે. ફતેગંજ બ્રિજ નીચે રમતા 3 બાળકો ગુમ થતા પરિવાર પર આફત આવી પડી છે. 9 વર્ષની પૂનમ, 6 વર્ષનો રાહુલ, અને 4 વર્ષની રોશની એમ ત્રણ બાળકો ગુમ થતા બાળકોના પિતાએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી છે. જેને પગલે હાલ પોલીસે બાળકોને શોધવા તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

સયાજીગંજ અને ફતેગંજ પોલીસની ટીમ બાળકોને શોધવા કામે લાગી
આ અંગે મીડિયાના સંવાદદાતાએ સ્થળ મુલાકાત લેતા સામે આવ્યુ હતું કે ફતેગંજ બ્રિજ નીચે રહેતા શ્રમજીવી પરિવારના આ બાળકો છે. બે બહેનો છે તેમના આ સંતાનો છે. છેલ્લા બે દિવસથી બાળકો લાપતા છે. હાલમાં સયાજીગંજ અને ફતેગંજ પોલીસની ટીમ બાળકોને શોધવા કામે લાગી છે. બાળકોના પરિજનોની પૂછપરછ કરી રહી છે. ટીમો બનાવીને સીસીટીવી ફૂટેજના આધારે હાલમાં તપાસ કરી રહી છે.

અમારા બાળકો પોલીસ શોધી આપે
બાળકની માતાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે તબિયત સારી ન હોવાથી હું સૂઇ ગઇ હતી. સાંજે પાંચ વાગ્યે ખબર પડી કે છોકરાઓ ગુમ થઇ ગયા છે. અમે સ્ટેશન સહિત બધી જ જગ્યાએ જઇને જોયુ પરંતુ ક્યાંય નથી. અમને અમારા બાળકો પોલીસ શોધી આપે તેમ કહેતા કહેતા બાળકની માતાના આંખમાંથી આંસુ આવી ગયા હતા.

’60 થી 70 લોકોની ટીમ બનાવીને તપાસ’
પી.આઇ કે.પી. પરમારે વીટીવી ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યુ કે પરમ દિવસે સાંજે પાંચ વાગ્યે બાળકોગુમ થઇ ગયા છે. સયાજીગંજ, છાણી અને ફતેગંજના 60થી 70 માણસોની ટીમ બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે. 9 વર્ષની બાળકી અગાઉ પણ આ રીતે ક્યાંક ચાલી ગઇ હતી. હાલ ટેક્નિકલ સર્વેલન્સથી માંડીને સીસીટીવી કેમેરા અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ પણ આ મામલે ગંભીરતા દાખવીને બાળકોને શોધવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published.