આજે વિશ્વ સિંહ દિવસ છે સિંહની એક ઝલક પામવા દૂર દૂરથી પ્રવાસીઓ ગીર આવતા હોય છે. ત્યારે અમે તમને ગુજરાતમાં આવેલા એક સિંહના મંદિર વિશે જણાવીશુ. તમને આશ્ચર્ય થશે કે સિંહનું મંદિર કઈ રીતે હોઈ શકે પરંતુ આ હકીકત છે. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલા ભેરાઈ ગામ પાસે સિંહ પ્રેમીઓએ એક સિંહણ સ્મૃતિ સ્મારક બનાવામાં આવ્યું છે. દર વર્ષે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આ સ્મારક પર સિંહની પૂજા અને આરતી કરવામાં આવે છે.

સિંહ પ્રેમીઓનું કહેવું છે કે વિશ્વનું આ એકમાત્ર સિંહ મંદિર છે જ્યાં અપાર શ્રદ્ધા સાથે સિંહની પૂજા કરવામાં આવે છે. રાજુલા પંથકના લોકો પહેલેથી જ સિંહને ખૂબ પ્રેમ કરે છે પરંતુ મંદિર બનાવવા પાછળની કહાની ખૂબ દર્દથી ભરેલી જણાય છે. સિંહ પ્રેમીઓને વર્ષ 2014માં મંદિર બનાવવાનો વિચાર આવ્યો હતો કારણ કે વર્ષ 2014માં એવી ઘટના ઘટી હતી કે જેનાથી સિંહપ્રેમીઓને ખૂબ ઠેસ પહોંચી હતી.

ભેરાઈ ગામ નજીક ટ્રેન અકસ્માતમાં સિંહણ અને કેટલાક સિંહના મોત થયા હતા જે બાદ સિંહપ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓએ આગળ આવ્યા અને લોકભાગીદારીથી અહીં સિંહણ સ્મૃતિ સ્મારક બનાવામાં આવ્યું. ગામના જ એક વ્યક્તિએ જમીનનું દાન આપીને મંદિર બનાવવામાં યોગદાન આપ્યું.

લોકોને સિંહ પ્રત્યે એટલી શ્રદ્ધા છે કે તેઓ આ મંદિરમાં માનતા માનવા પણ આવે છે. સિંહને ઈષ્ટદેવ માનતા સિંહપ્રેમીઓનું કહેવું છે કે અમરેલી જિલ્લામાં સૌથી વધુ સિંહની સંખ્યા પીપાવાવ વિસ્તારમાં આવેલ છે. જેથી સરકાર અને લોકોએ જાગૃત થઈને સિંહની સુરક્ષા માટે આગળ આવવું જોઈએ.

આ પંથકમાં સિંહ અવારનવાર પશુધનનો શિકાર કરતા રહે છે. તેમ છતાં સિંહ પ્રત્યેની આસ્થા ગુણવંતી ગુજરાતનું ગર્વ બનેલું રહે છે. ગરવા ગીરનું આભૂષણ છે. સાવજ પ્રત્યેનું આ સન્માન આ મંદિર તેનું પ્રતિક ગણવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.