રાજસ્થાનના અલવરમાં સોમવારે 70 વર્ષથી વધારે ઉંમરના દંપતીના ઘરમાં બાળકનો જન્મ થયો છે. માતાની ઉંમર 70 વર્ષ અને પિતાની ઉંમર 75 વર્ષ છે. લગ્નનાં અંદાજે 54 વર્ષ પછી માતાપિતાનું આ પહેલું સંતાન છે. ડોક્ટરનો દાવો છે કે રાજસ્થાનનો આ પહેલો કેસ છે જેમાં આટલી મોટી ઉંમરની મહિલાએ દીકરાને જન્મ આપ્યો હોય. જોકે IVF ટેક્નોલોજીથી દેશ-દુનિયામાં પહેલાં પણ ઘણાં વૃદ્ધ દંપતી 70-80 વર્ષની ઉંમરે માતા-પિતા બન્યાં છે.

બાળકના પિતા ગોપીચંદ જે સેનામાં સૈનિક તરીકે ફરજ નિભાવતા હતા એમનું કહેવું છે કે તેમના આંગણે એક સંતાન આવે તેની રાહ તે લોકો 1968 થી જોઈ રહ્યા હતા. બાળકના પિતાએ જણાવ્યું હતું કે 1983માં સેનામાંથી રીટાયર થયા પછી તેની પત્નીને લઈને તેઓ દેશભરના લગભગ બધા ડોકટરો પાસે તાપસ કરાવી લીધી હતી પણ સંતાનનું સુખ નહતું મળી રહ્યું એ પછી થોડા સંબંધીઓએ IVF વિશે જાણકારી આપી હતી અને અંતે 70 વર્ષની ઉંમરે તેને પોણા ત્રણ કિલોના બાળકને જન્મ આપ્યો હતો.

ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન અગાઉ ટેસ્ટ ટ્યુબ બેબી તરીકે ઓળખાતું હતું. આ ટ્રીટમેન્ટમાં સ્ત્રીના બીજ અને પુરુષના શુક્રાણુઓ મિક્સ કરવામાં આવે છે. જ્યારે ગર્ભની રચના થાય છે અને ત્યારે તેને સ્ત્રીના ગર્ભાશયમાં મૂકવામાં આવે છે. આ પ્રક્રિયા એકદમ જટિલ અને ખર્ચાળ છે, પરંતુ જેઓ ઘણા વર્ષોથી ગર્ભ ધારણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમના માટે આ વરદાનરુપ છે.

હવે ટેસ્ટ ટ્યૂબ બેબી માટે સરકારે ART (આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નિક) કાયદો બનાવી દીધો છે. આ કાયદા અંતર્ગત 50 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ ટેસ્ટ ટ્યૂબ ટેક્નોલોજીથી માતા બની શકે નહીં. એટલે કે ટેસ્ટ ટ્યૂબ બેબી માટે મહિલાની ઉંમર 50 વર્ષ કરતાં ઓછી હોવી જોઈએ, પરંતુ આ કેસ કાયદો બન્યો એ પહેલાનો છે, તેથી તેમને 70 વર્ષની ઉંમરે બાળક થયું છે.

Leave a Reply

Your email address will not be published.